જાણો કેમ કાઢવામાં આવે છે વરદાયિની માતાની પલ્લી યાત્રા? મહાભારતકાળ સાથે છે નાતો
રામાયણ અને મહાભારતકાળ સાથે જોડાયેલું ગાંધીનગરનું એક અદભુત અને ઐતિહાસિક મંદિર એટલે રૂપાલનું વરદાયિની માતા મંદિર.જ્યાં હજારો યાત્રિકો અને ભાવિક ભક્તો દેશ વિદેશથી પલ્લી દર્શન અને જગત જનની વરદાયિની મનમોક સ્વરૂપના દર્શન કરવા આવે છે,અને મા ના સાક્ષાત્કાર સાથે અગમ્ય અનુભવ કરવા સાથે રમણીય દર્શનીય સ્થાન એટલે આપણા રૂપાલ નું પલ્લી મંદિર, જે વરદાયિની મંદિર તરીકે પણ ઓળખાય છે,ત્યાં આવી ધન્યતા અનુભવે છે.
ગાંધીનગર જિલ્લાની આગવી ઓળખ અને ઐતિહાસિક, ધાર્મિક રીતે મહત્વ ધરાવતા વરદાયિની માતાનું પૌરાણિક મંદિર જે ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામે આવેલું છે.
શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાનનું પાંડવકાલીન પ્રાચીન અને પવિત્ર મંદિરને સિદ્ધરાજ જયસિંહ દ્વારા જીર્ણોદ્ધાર કરી ને બનાવવામાં આવ્યું છે. આ મંદિરના બાંધકામની વાત કરવામાં આવે તો તે, સુંદર બંસી પહાડપુરી પથ્થરથી તેમજ સોમપુરા વાસ્તુકલા શૈલી સહિત, સુંદર શિલ્પકલા સભર ખુબજ આકર્ષક કલાકૌશલ્ય થકી નવનિર્મિત કરવામાં આવ્યું છે. તેમજ મંદિર પર સોનાના કળશ અને સોનાના ધ્વજ દંડ પર માં ની ધજા અતિ સોહામણી છાયા ઉભી કરે છે. તેમજ સભા મંડપમાં નવદુર્ગાની મૂર્તિઓ અને શિવ પરિવારના દર્શન પણ મુખ્ય આકર્ષણ રૂપે દ્રશ્યમાન છે. અને માતાજીના ગર્ભગૃહમાં શુદ્ધ સુવર્ણથી મઢેલ વિશાળ દરવાજા અને તેની કમાન તેમજ માતાજીના ગોખમાં રામાયણ અને મહાભારતનો ઇતિહાસ આલેખન કરવામાં આવ્યો છે. તે પણ સોનાથી મઢેલ હોવાથી માતા શ્રી વરદાયિનીની શ્વેત આરસની મૂર્તિનો શણગાર અને માંનું મુખમંડળ પરની આભા આભૂષણો અને વસ્ત્રોથી શુશોભીત મૂર્તિના દર્શન મનોહર મનમોહક અને દૈદીપ્યમાન દર્શન થાય છે. મૂર્તિનું મનમોહક સ્વરૂપ આપને મૂર્તિમાં ધ્યાન મગ્ન અને આકર્ષિત કરે છે. મંદિરનો સુંદર આકર્ષક અને વિશાળ સભામંડપ અને હજારો લોકોને સરળતાથી દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
વિશ્વમાં કરોડો ભક્તોની આસ્થા અને શ્રદ્ધાથી જ્યાં દરેક શારદીય નવરાત્રી,આસો શુદ નવમી એટલે કે નવમા નવરાત્રીની મધ્યરાત્રી બાદ વરદાયિની માતાજીની સુપ્રસિધ્ધ પલ્લીમાં લાખો મણ શુદ્ધ ઘીનો લાખો ભાવિક ભક્તો દર વર્ષે પલ્લી યાત્રામાં અભિષેક કરે છે. આ યાત્રા અવિરત મહાભારત કાળના યુગો પર્યત વરદાયિની માતાની પલ્લી યાત્રા અચૂક નીકળે જ છે.
મંદિર સ્થાન અને મા વરદાયિની સાથે જોડાયેલી રામાયણ તથા મહાભારત કાળની વાર્તાઓ
ઐતિહાસિક વરદાયિની માતાના મંદિર માટે કહેવાય છે કે, તેઓ અહીં નવદુર્ગાનાં નવ સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપે બ્રહ્મચારિણી હંસવાહીની સ્વરૂપે બિરાજમાન છે. ત્રેતાયુગમાં રામ વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયિની માતાએ પ્રસન્ન થઈ રામને અમોઘ દિવ્ય બાણ આપ્યું, જેનો ઉપયોગ કરી રામાયણના અંતિમ યુદ્ધમાં રામે રાવણનો વધ કર્યો હતો.
બ્રહ્માજીએ આપેલા વરદાનના પ્રભાવે નાભીમાં રહેલા અમૃતના પ્રભાવથી મસ્તક તો છેદાયા છતાં, પણ જ્યારે રાવણ વધ કરી શકાયો નહીં ત્યારે મા વરદાયની દ્વારા અસ્ત્રના પ્રયોગથી શ્રી રામચંદ્રજી દ્વારા રાવણ વધ કરવામાં આવ્યો હતો.
આ મંદિરને ઘણા બધા લોકો અર્જુન દ્રૌપદીના મંદિર તરીકે પણ ઓળખે છે. કારણકે એક કથા મુજબ એવું માનવામાં આવે છે કે, જ્યારે પાંડવોને વનવાસ દરમિયાન ગુપ્તવાસમાં રહેવાનું આવ્યું, ત્યારે તેમણે અહીં આવી માતાજીના દર્શન કર્યા હતા, અને માતાજીએ સ્વયં તેમને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, આ મારી વરખડીના ઝાડ નીચે તમારા અસ્ત્ર-શસ્ત્ર અને ઓળખ છતી થાય તેવી દરેક વસ્તુઓ મૂકી દો. અને અહીંથી છ યોજન દૂર વિરાટનગર એટલે કે હાલના ધોળકા તરફ પાંડવોને ગુપ્તવાસ માટે મોકલતા આશીર્વાદ આપ્યા હતા કે, તમને વિરાટનગરના કોઈપણ સ્ત્રી પુરુષ કે જીવ ઓળખી નહી શકે, અને તમારો ગુપ્તવાસ સુખેથી પૂર્ણ થશે.
ગુપ્તવાસ પૂર્ણ થયા પછી રૂપાલા વરખડીના વૃક્ષ નીચેથી અસ્ત્ર-શસ્ત્રો વગેરે પાછા મેળવી પાંડવો દ્વારા માની આરાધના કરવામાં આવી હતી. પરિણામે માએ તેમને યુદ્ધમાં વિજય થવાનું વરદાન આપ્યું હતું અને ત્યારથી માં વરદાયિની તરીકે પ્રસિદ્ધ થયા.
મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યા પછી પાંડવો અને દ્રૌપદી ફરી મા વરદાયિનીના દર્શને આવ્યા હતા, અને પાંચ જ્યોત વાળી સોનાના રથવાડી પલ્લી બનાવી માની આરાધના કરી હતી તથા પંચ બલી યજ્ઞ પણ કર્યો હતો. બસ ત્યારથી અત્યાર સુધી દર વર્ષે આસો માસની નવરાત્રીની નોમના દિવસે માની પલ્લી કરવામાં આવે છે.
આ ઉપરાંત ‘વરદાયની સ્તુતિ’ની દસમ પંક્તિમાં કહેવાયું છે, તે પ્રમાણે જ્યારે બ્રહ્માજી જગત રચના કરતા સ્મૃતિભ્રંશથી મોહ પામ્યા હતા, ત્યારે મા વરદાયની દ્વારા તેમની વિસ્મૃતિ દૂર કરી સ્મૃતિ આપવામાં આવી હતી.
ગાંધીનગર તેમજ અમદાવાદ નજીક સુંદર યાત્રાધામ તરીકે અતિ પ્રાચીન પૌરાણિક પાંડવ કાલીન મંદિર શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાનની સુંદર કાયાપલટ કરવાનો નીર્ધાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રૂપાલ ગામ ગાંધીનગરથી નજીક 13 કિલોમીટર અને અમદાવાદ થી 35 કિલોમીટર આવેલું છે, આ મંદિરના કોરિડોરનો પણ ગુજરાતના અન્ય મુખ્ય પ્રમુખ યાત્રાધામથી પણ વધુ સુંદર નવરચના કરવાના આયોજન મુજબ કાર્ય થયું છે. અહીં રૂપાલનું પૌરાણિક માન સરોવર તળાવ અને કોરિડોરને એક યાત્રાધામ સાથે સાથે પીકનીક સ્પોટ પર્યટન સ્થાન તરીકે વિકસાવવાનું કાર્ય પણ કરવાનું આયોજન છે.
ટિપ્પણીઓ નથી