ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ : અંબાજી પદયાત્રા કરતા સંઘોએ અહીં નોંધણી કરાવવી જરૂરી
દર વર્ષે અંબાજી (Ambaji) ખાતે ભાદરવી પૂનમના રોજ ભવ્ય મહામેળાનું આયોજન કરવામાં આવે છે. જેને નિહાળવા માટે દેશના ખૂણે ખૂણેથી લોકો આવતા હોય છે. આ દરમિયાન ખાસ લોકો પદયાત્રા કરી માતાજીના મંદિરે પહોંચતા હોય છે. ત્યારે એમને પ્રવેશ માટે તથા અન્ય સુવિધાઓ મેળવી શકે એના માટે નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે જેના થકી ઓનલાઈન પાસ મળી જશે.
શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ (Bhadarvi Poonam) મહામેળાનું આયોજન કરાશે. ચાલુ વર્ષે પદયાત્રી સંઘોની નોધણી પ્રક્રિયા અંબાજી મંદિરની ઓફિશિયલ વેબસાઈટ https://ambajitemple.in/bhadarvi-poonam મારફત શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો - જાણો અંબાજી મંદિર વિશેની જાણી-અજાણી વાતો, મંદિરમાં માતાજીની મૂર્તિની પૂજા નથી કરવામાં આવતી
અધ્યક્ષશ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી અને બનાસકાંઠાના(Banaskantha) કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં પદયાત્રી સંઘોની સરળ અને પારદર્શક નોધણી માટે અદ્યતન પોર્ટલ બનાવવામાં આવ્યું છે.
આ પોર્ટલ મારફતે પદયાત્રી સંઘો વિનામૂલ્યે ઘરે બેઠા ઓનલાઈન નોધણી કરી શકે છે. પોર્ટલ પર નોધાયેલ સંઘોની વિગતોની ચકાસણી બાદ પ્રાંત અધિકારી દાંતાની કચેરી દ્વારા પદયાત્રી સંઘોને મંજૂરી તથા વાહન પાસ પણ ઓનલાઈન આપવામાં આવશે. આ સાથે જ પદયાત્રી સંઘના કોમર્શિયલ તેમજ પ્રાઈવેટ વાહનો માટે વિશેષ પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તમામ પદયાત્રી સંઘોએ આ સગવડનો લાભ લઈ વેબ પોર્ટલ ઉપર પોતાના સંઘની નોંધણી અવશ્ય કરાવવા અંબાજી મંદિરના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું.
ટિપ્પણીઓ નથી