Advertisement

Latest Updates

સમૌ ગામે છબીલા હનુમાનજી દાદાને 56 પ્રકારની કેક સાથે જન્મોત્સવની અનોખી રીતે ઉજવણી કરાઈ


માણસા તાલુકાના સમૌ ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી છબીલા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવના પાવન અવસરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિર આસપાસના વિસ્તારોમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગણાતું હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.


હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, દાદાને અંદાજિત 11 ડબ્બા ઘીની સુખડીનો પ્રસાદ તથા 25 ડબ્બા જેટલું તેલ ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, દર્શનાર્થીઓ માટે ભોજન (જમણવાર)ની સુવિધા પણ મંદિરના વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી હતી.આ દિવસે અંદાજિત 35,000 જેટલા ભક્તોની વિશાળ ઉપસ્થિતિ નોંધાઈ હતી. સવારથી જ દાદાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને વિશેષ મારુતિ યજ્ઞ યોજાયો હતો. ત્યારબાદ બપોરે 12:39 કલાકે દાદાને 56 પ્રકારની કેકથી જન્મોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.


બપોરે 1:39 કલાકે “એક કદમ આસ્થા કી ઔર” સૂત્ર સાથે ભક્તો દ્વારા સમૂહમાં મંત્રોચ્ચાર સાથે દોરાને 108 ગાંઠ વાળવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત, ગ્રામજનો દ્વારા દાદાના નવા ભજનની સમૂહમાં ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી.  સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર આયોજન શ્રી છબીલા હનુમાનજી મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત ગ્રામજનોના સહયોગથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.



ટિપ્પણીઓ નથી