Advertisement

Latest Updates

આ રશિયન યુવતી પુષ્કરની ૪૩ ડિગ્રી ગરમીમાં ધગધગતી અગ્નિ વચ્ચે કરી રહી છે શિવસાધના

 


આપણે અવારનવાર ભારતીય સાધુ-સંતોને કઠોર તપસ્યા કરતા જોઈએ-વાંચીએ છીએ, પરંતુ રાજસ્થાનના પવિત્ર તીર્થધામ પુષ્કરમાંથી હાલ એક એવી આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જેણે દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. રાજસ્થાનમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને પારો ૪૩ ડિગ્રીને વટાવી ગયો છે. આવી અસહ્ય ગરમીમાં એક રશિયન મહિલા શ્મશાન ઘાટમાં ધગધગતા અંગારા (ધૂણી) વચ્ચે બેસીને કઠોર 'અગ્નિ તપસ્યા' કરી રહી છે. વિદેશી મહિલાનું નામ હવે 'રાધિકા યોગિની અન્નપૂર્ણા નાથ' છે.


કોણ છે રશિયન યુવતી?

મૂળ રશિયાની વતની મહિલા આશરે ૧૭ વર્ષ પહેલાં ભારત પ્રવાસે આવી હતી. ભારતની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને ખાસ કરીને ભગવાન શિવ પ્રત્યેના આકર્ષણને કારણે તે અહીં રોકાઈ ગઈ. ૧૦ વર્ષ પહેલાં તેણે વિધિપત રીતે 'નાથ સંપ્રદાય'ની દીક્ષા લીધી અને પોતાનું જીવન સંપૂર્ણપણે શિવભક્તિ તથા સેવાકાર્યમાં સમર્પિત કરી દીધું. હાલમાં તે ટૂરિસ્ટ વિઝા પર ભારતમાં રહે છે અને ભગવા વસ્ત્રો ધારણ કરી સાધ્વી જેવું જીવન જીવે છે.

શ્મશાનમાં ૨૧ દિવસનું અગ્નિ વ્રત

પુષ્કરની નાની બસ્તીમાં આવેલા શ્મશાન ગૃહમાં અઘોરી સીતારામ બાબાનો આશ્રમ છે. જગ્યાએ રાધિકા યોગિનીએ ૨૧ દિવસની અગ્નિ તપસ્યાનો સંકલ્પ લીધો છે. મેથી શરૂ થયેલી કઠોર સાધના ૨૫ મે સુધી ચાલશે. દરરોજ સવારે ૧૧ વાગ્યાથી બપોરે સવા બે વાગ્યા સુધીજ્યારે સૂરજ બરાબર માથે હોય અને ગરમી સૌથી વધુ હોયત્યારે તે પોતાના શરીર પર ભસ્મ લગાવીને નવ ધૂણીઓની વચ્ચે યોગ મુદ્રામાં બેસી જાય છે.


સવા ત્રણ કલાક અગ્નિ વચ્ચે જાપ

આશરે સવા ત્રણ કલાક સુધી તે ધગધગતા છાણાંની વચ્ચે બેસીને ભગવાન શિવની આરાધના અને ગુરુ બીજ મંત્રના જાપ કરે છે. જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ તેમ ધૂણીમાં છાણાંની સંખ્યા વધારવામાં આવી રહી છે અને સાધનાના છેલ્લા દિવસે ૧૦૮ છાણાં પ્રગટાવી અગ્નિ પરીક્ષા જેવું તપ કરવામાં આવશે. સાધના તે પોતાના ગુરુ બાલયોગી દીપક નાથ રમતે રામના સાનિધ્યમાં કરી રહી છે.

આશીર્વાદ લેવા લોકોની ભીડ

૪૩ ડિગ્રીની કુદરતી ગરમી અને તેની વચ્ચે આસપાસ સળગતી અગ્નિ, કલ્પના ધ્રુજાવી દે તેવી છે, પણ રાધિકાના ચહેરા પર અદભુત શાંતિ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વિદેશી સાધ્વીના વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. અનોખા દ્રશ્યને જોવા અને રશિયન જોગણીના આશીર્વાદ લેવા માટે પુષ્કરના શ્મશાન ઘાટ પર સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે. ૨૫ મેના રોજ હવન અને ભંડારા સાથે કઠોર વ્રતની પૂર્ણાહુતિ થશે.

ટિપ્પણીઓ નથી