Advertisement

Latest Updates

12 મી સદીમાં બંધાયેલા મહાદેવના આ મંદિરનું નિર્માણ બાબરા ભૂત દ્વારા કરવામાં આવ્યું હતું!!

પવિત્ર શ્રાવણ માસમાં શિવ મંદિરમાં હર હર મહાદેવ સાથે ભક્તિનો નાદ ગુંજી રહ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલ પ્રાચીન શિવ મંદિર કે જ્યાં દૂર દૂરથી દર્શનાર્થીઓ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે. આ પ્રાચીન જશમલનાથજી શિવ મંદિર મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આસોડા ખાતે આવેલું છે.

આ મંદિર અને આસોડા-દેવડાના ઇતિહાસ સંદર્ભે વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહે કુકરવાડા-સોખડાના ચૌહાણોને વિજાપુર આસપાસનો વિસાલ પ્રદેશ દેવડા ચૌહાણોને રહેવા આપેલો. સિદ્ધરાજ જયસિંહના લશ્કર માટે ઉંચી ઓલાદના ઘોડા આ વિસ્તારમાં ઉછેરવામાં આવતા હતા.જેના પગલે એસોડા ગામ વિકસ્યું. જે આસોડા દેવડા તરીકે પ્રખ્યાત છે. આસોડા દેવડા વિજાપુર તાલુકાના આ ગામે સચાવાયેલું જશમાલનાથજીનું મંદિર શિવ પંચાયત શૈલીનું છે. આ મંદિર અત્યાર સુધી અખંડિત રહેલુ છે.


ઇસ. 12 મી સદીમાં બંધાયેલા આ મંદિરોની વિશેષતા એ છે કે મુખ્ય શિવમંદિર છે. જેની ફરતે ચાર ખુણે સૂર્યમંદિર, વિષ્ણુંમંદિર ,ગણેશ મંદિર અને શક્તિ મંદિર આવેલાં છે. આસોડા ગામે જશમાલનાથજીના મંદિર તરીકે સારી હાલતમાં જળવાઇ રહ્યું છે. મંદિરના પ્રવેશ દ્વારે તોરણ હતું આજે તેના સ્તંભ ઉભેલા નજરે પડે છે. ઉંચી પીઠીકા ઉપર રચાયેલાં આ મંદિરોની બારીક કોતર કામ, શિલ્પની વૈવિધ્યતા, સંસારીક જીવનના પ્રસંગે કન્યા વિદાય ,શિકાર નર્તક વૃંદ દિગ્પાલ ગણેશ વાદક દેવાંગનાઓ કુબેર ચામુંડા,ગજથર હસ્તાક્ષર વગેરે શિલ્પો સુંદર છે. મંદિરની નીચે એક ભોંયરૂ પણ આવેલું છે.

સ્થાપત્યની દ્રષ્ટિએ વાત કરીએ તો જશમલનાથ મહાદેવના નામે ઓળખાતું અને ગુજરાતના મંદિર સ્થાપત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવતું આ શિવ પંચાયતન મંદિર ઊંચી જગતી પર આવેલ છે. મધ્યનું મુખ્ય મંદિર પૂર્વાભિમુખ છે. જેની આગળના ભાગે ઉત્તર-પૂર્વે અને દક્ષિણ-પૂર્વમાં પરસ્પરાભિમુખ મંદિર અને મૂળ મંદિરની પાછળની બાજુ એટલે કે પશ્ચિમમાં ઉત્તર-પશ્ચિમે અને દક્ષિણ-પશ્ચિમે બે પૂર્વાભિમુખ મંદિર મળી કુલ પાંચ મંદિરો ઉપરાંત પ્રવેશ માર્ગે બે તોરણ આવેલા છે. 


પંચાયતની મંદિર પૈકી મધ્યનું મુખ્ય મંદિર તલદર્શનની દ્રષ્ટિએ જોતાં ચોકી યુક્ત મંડપ, અંતરાલ અને ગર્ભગૃહનામાં અંગો ધરાવે છે. ચોકી મંડપને સંલગ્ન છે. જેમાં ઉત્તર-દક્ષિણ કક્ષાસનની રચના છે. ચોકીના પ્રવેશ ભાગે ઈલિકાતોરણ છે. ચોકીની વિતાનમાં પણ વિવિધ શિલ્પોકનયુક્ત પણ છે. સ્તંભો પર વ્યાલશિલ્પો છે. ચોકીની સોપાન શ્રેણીની બંને તરફ ક્ષેત્રપાલના શિલ્પ છે. ચોકીની બહારની દિવાલો મંડપની જેમ વિવિધ શિલ્પો, ફૂલ-વેલ ભૌમૌતિક ભાતથી અલંકૃત છે.

સિદ્ધરાજ જયસિંહના સમયમાં 12મી મંદિર સદીમાં આ જશમલનાથજી મહાદેવ મંદિરનું નિર્માણ થયું છે. આ મંદિર પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે, હાલ આ મંદિર ભારતીય પુરાતત્વ વિભાગ હસ્તક છે. 


આ મંદિરની સેવા પૂજા ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે. લોકવાયકા પ્રમાણે આ મંદિરનું નિર્માણ બાબરા ભૂત દ્વારા કરવામાં આવ્યું છે તેવી પણ વાતો ગામમાં લોકમુખે થતી હોય છે. આ મંદિરમાં શ્રાવણ માસમાં આજુબાજુના ગામ લોકો અને દૂર દૂરથી દર્શન કરવા માટે દર્શનાર્થીઓ પધારતા હોય છે. શ્રાવણ માસમાં આ મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓ મહાદેવના મંદિરે શીશ ઝુકાવે છે અને શ્રાવણ માસની અમાસના દિવસે ૧૦૦૮ કમળ પૂજા થાય છે અને ભંડારો પણ રાખવામાં આવે છે તેમજ શિવરાત્રીના દિવસે અહીં બહુ મોટો હવન થાય છે.

આસોડાના આ શિવાલયમાં શ્રદ્ધાળુ બિલીપત્રથી પૂજા કરી શિવલિંગનો જળાભિષેક અને દૂધ અભિષેક કરીને અભિભૂત થતા હોય છે. શ્રાવણનો પૂરો મહિનો આ શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજતું રહે છે. 



ટિપ્પણીઓ નથી